Posted by: rakholiya | May 18, 2010

ક્લાઉડ કમ્પ્યુટિંગ – વાદળાં બંધાય છે આઇ.ટી.નું ભવિષ્ય કે આઉટસોર્સિગનો આઘુનિક અવતાર?


Navajuni.gif‘સંસાર પરિવર્તનશીલ છે, બચ્ચા’ એવું કહેવા માટે એક સમયે સાઘુમહાત્માઓની જરૂર પડતી હતી. હવે ઇન્ફર્મેશન ટેકનોલોજી (આઇ.ટી.) સાથે સંકળાયેલા સૌ કોઇ આ સચ્ચાઇ જાણે છે. એટલું જ નહીં, તેનો રોજેરોજ અનુભવ કરે છે.  છેલ્લા થોડા સમયથી આઇ.ટી. ક્ષેત્રે બહુચર્ચિત બનેલો શબ્દપ્રયોગ છેઃ ક્લાઉડ કમ્પ્યુટિંગ. આઇ.ટી.કંપનીઓ અને અભ્યાસીઓ માને છે કે આવનારા દિવસો ક્લાઉડ કમ્પ્યુટિંગના છે. એમેઝોન, ગુગલ, આઇબીએમ, માઇક્રોસોફ્ટ જેવી ટોચની કંપનીઓ ક્લાઉડ કમ્પ્યુટિંગના ધંધામાં ઝંપલાવી ચુકી છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ આખરે છે શું?

કમ્પ્યુટર, તેમાં  કંપનીની જરૂરિયાત પ્રમાણેના પ્રોગ્રામ, એવા પ્રોગ્રામ તૈયાર કરાવવાની અને તેને ચલાવવાની પળોજણ, કંપનીનો ડેટા સંઘરવા માટેનાં સર્વર કે ડેટા સેન્ટર – આ બધી પળોજણમાં પડવાને બદલે, એ વહીવટ પરબારો બીજા કોઇને સોંપી દેવામાં આવે, એ  છે ક્લાઉડ કમ્પ્યુટિંગ. પહેલી નજરે તે આઉટસોર્સંિગની યાદ અપાવે. પરંતુ આઉટસોર્સંિગને વઘુમાં વઘુ, ક્લાઉડ કમ્પ્યુટિંગનું પહેલું પગથીયું ગણી શકાય.

સરળતા ખાતર આઉટસોર્સંિગની સરખામણી હોટેલમાંથી તૈયાર જમવાનું ઘરે લાવવા સાથે થઇ શકે. કોઇક આપણા ઓર્ડર મુજબ જમવાનું બનાવે અને આપણે પૈસા આપીને લઇ આવીએ. તેમાં જમવાનું બનાવવું ન પડે, પણ એ સિવાયની બધી માથાકુટ ઉભી. તેની સરખામણીમાં ક્લાઉડ કમ્પ્યુટિંગને હોટેલમાં જમવા જવા સાથે સરખાવવું પડે ઃ ઇચ્છિત ભોજન જમવાનું, જે જોઇએ તે જ મંગાવવાનું અને એટલાના જ રૂપિયા આપવાના. એ સિવાયનું કોઇ રોકાણ નહીં અને કોઇ કડાકૂટ પણ નહીં.

કમ્પ્યુટર ક્ષેત્રના નિષ્ણાતો ક્લાઉડ કમ્પ્યુટિંગની વાત માંડે ત્યારે અચૂક ઇલેક્ટ્રિક ગ્રીડનો દાખલો આપે છે. વીજળીનો ઉપયોગ સૌ કોઇ કરે છે, પણ તેમને પોતાનો પાવર પ્લાન્ટ ઊભો કરવાની જરૂર નથી. પોતપોતાના ખપની વીજળી લોકો ગ્રીડમાંથી વાપરે છે અને એટલાનું જ બિલ ભરે છે. એ સિવાયનું વધારાનું કોઇ રોકાણ નહીં. આઇ.ટી. ક્ષેત્રે આ પ્રકારનો વિચાર નેવુના દાયકામાં વહેતો થયો હતો. તેની પાછળની લાગણી એવી હતી કે ધંધાઉદ્યોગોમાં સંખ્યાબંધ કમ્પ્યુટર- તેમાં મોંઘા ભાવના લાયસન્સ્ડ સોફ્ટવેર- કંપનીની જરૂરિયાતને ઘ્યાનમાં રાખીને તૈયાર કરાવવા પડતા ખાસ સોફ્ટવેર, બધી સામગ્રીને જાળવી શકે એવાં સર્વર..આ બધા પાછળ જેટલું રોકાણ કરવું પડે, એટલું વળતર મળતું નથી અને ખર્ચ પ્રમાણે ચીજવસ્તુઓમાંથી પૂરેપૂરો કસ કાઢી શકાતો નથી. તેની ઘણી ક્ષમતા વણવપરાયેલી રહી જાય છે.

આઇ.ટી.ની સુવિધાઓમાં બિનજરૂરી રોકાણ કરવું ન પડે અને ફક્ત જોઇએ એટલી જ સુવિધાઓનો, તેના વપરાશ જેટલો જ ખર્ચ આવે, તે ક્લાઉડ કમ્પ્યુટિંગનું હાર્દ છે. માઇક્રોસોફ્ટ, સેપ કે ઓરેકલ જેવી કંપનીઓ પાસેથી મોંઘીદાટ બિઝનેસ એપ્લીકેશન્સ તૈયાર કરાવીને તેના આધારે સ્થાનિક ધોરણે કામ કરવાને બદલે, આખો વહીવટ ક્લાઉડ કમ્પ્યુટિંગની કોઇ કંપનીને સોંપી દેવામાં આવે તો કામ માટે જરૂરી સોફ્ટવેર-હાર્ડવેરની બધી જવાબદારી કંપનીની.

ઓર્ડર આપનારે ઇન્ટરનેટ થકી ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપનીમાં રહેલા પોતાના એકાઉન્ટમાં પહોંચી જવાનું અને પોતાની ઓફિસના કમ્પ્યુટરમાં કરતા હોય એવી જ રીતે ક્લાઉડ કંપનીના સર્વરમાં કામ કરવાનું. ભાડાના ઘરની જેમ ભાડાના સર્વરમાં, જગ્યાનો ઉપયોગ કરવાનો અને બદલામાં ‘ભાડું’ આપવા સિવાય બીજી કોઇ જવાબદારી નહીં. ક્લાઉડ કમ્પ્યુટિંગ સર્વિસમાં ઘણી વાર તો કંપનીઓ કલાકના હિસાબે સર્વરનું ભાડું લે છેઃ સર્વિસ લેનાર કંપનીને જેટલો વપરાશ થાય એટલા સમયનું જ ભાડું ચૂકવવાનું. આખા સર્વરનો ખર્ચ કરવાને બદલે, આ રીતે કલાક-બે કલાકના ભાડેથી સર્વર મળતાં હોય તો કંપનીના આર્થિક બોજમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આમ, ક્લાઉડ કમ્પ્યુટિંગના નવા પ્રવાહ પાછળનું સૌથી મોટું પ્રેરક બળ ટેકનોલોજી કે આઇ.ટી.ને લગતું નહીં, પણ આર્થિક છે. એ ઉપરાંત સુવિધા તો ખરી જ.

ક્લાઉડ કમ્પ્યુટિંગની સુવિધાના મુખ્ય ત્રણ પ્રકાર પાડવામાં આવે છે. એક પ્રકારમાં ડેટા સેન્ટરનું આખું માળખું ભાડેથી આપવામાં આવે છે. તેમાં મુખ્યત્વે હાર્ડવેરનો સમાવેશ થાય છે. ફી ભરો અને બદલામાં એમેઝોન જેવી કંપનીના રેડીમેડ માળખાનો ઉપયોગ કરવા મળી જાય. તમારે કશું વસાવવાની ઝંઝટ નહીં. આ પ્રકાર ટૂંકમાં  આઇએએએસ (ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ એ સર્વિસ) તરીકે ઓળખાય છે.   ફુલ ફર્નિશ્ડ મકાનમાં ભાડેથી રહેવા જેવી આ વાત છે.

બીજા પ્રકારમાં ક્લાઉડ કંપનીઓ તેમની ગ્રાહક કંપનીઓને પ્લેટોફોર્મ પૂરૂં પાડે છે. (પીએએએસ ઃ પ્લેટફોર્મ એઝ એ સર્વિસ) મતલબ, હાર્ડવેર કે સોફ્ટવેર ખરીદ્યા વિના જ ગ્રાહક સીધેસીધો કેટલીક સુવિધાઓનો ઉપયોગ કરી શકે છે. (મકાન પોતાનું, પણ લાઇટ-કેબલ-ઇન્ટરનેટ- કચરા-પોતું-રસોઇની સેવાઓ બીજા પાસેથી ખરીદવાની.)  ત્રીજો પ્રકાર છે ઃ સોફ્ટવેર એઝ એ સર્વિસ. ગ્રાહકે સોફ્ટવેર માટે ખર્ચાના ખાડામાં કે કેવો સોફ્ટવેર તૈયાર કરાવવો પડશે તેની માથાકૂટમાં ઉતરવાની જરૂર નહીં. તેમને ઓર્ડર પ્રમાણે સોફ્ટવેર વાપરવા તૈયાર જ મળી રહે. (કોતરણીવાળો હિંચકો ઘરમાં મિસ્ત્રી બેસાડીને કરાવવાને બદલે શોરૂમમાં ઓર્ડર આપીને કરાવવા જેવું.) ગૂગલ તેની ‘ગૂગલ એપ્સ’ સર્વિસ દ્વારા આ ધંધો કરે છે.

ઇન્ટરનેટના માઘ્યમથી પુસ્તકો વેચવામાં નામ કમાયેલી ‘એમેઝોન’ ક્લાઉડ કમ્પ્યુટિંગમાં ચારેક વર્ષથી સક્રિય છે. આઇબીએમ, ગૂગલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓને પણ ભવિષ્યની ઉજળી તકો દેખાતાં તે પાછળ રહ્યાં નથી. ક્લાઉડ કમ્પ્યુટિંગની હજુ શરૂઆત હોવાથી તેની સાથે ઘણા પ્રશ્નો પણ સંકળાયેલા છે. જેમ કે, એક કંપનીના ક્લાઉડનો ઉપયોગ કર્યા પછી, ગ્રાહકને સર્વિસ બદલવાનું મન થાય તો એ ડેટા બીજી કંપનીના ક્લાઉડમાં લઇ જવાની સમસ્યા છે. કંપનીનો મહત્ત્વનો ડેટા સલામતીની ગમે તેટલી ખાતરી છતાં બીજાના ભરોસે મુકવામાં જોખમનો અંશ રહે છે. ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની સાથેના કરાર પણ ગ્રાહકો માટે બહુ મહત્ત્વના છે. કારણ કે કરારમાં મૂકાયેલી શરતો ગ્રાહકોનાં કાંડા કાપી લેતી હોય અને સંભવિત નુકસાન સમયે કંપનીની કશી જવાબદારી ન રહે એ પ્રકારની હોઇ શકે છે. એટલે જ, ક્લાઉડ કમ્પ્યુટિંગને લગતા કરાર કેવી રીતે કરવા એ વિશેની ઘણી ચર્ચા ઇન્ટરનેટ પર વાંચવા મળે છે.

ક્લાઉડ સર્વિસના વિકાસને પગલે એશિયાનું સ્થાન મહત્ત્વનું બની રહેવાનો અંદાજ છે. તેનો લાભ ભારત અને ચીન જેવા દેશોને મોટા પાયે મળી શકે છે. ‘એમેઝોન’ની ક્લાઉડ કમ્પ્યુટિંગ કંપની એમેઝોન વેબ સર્વિસે આ મહિને સિંગાપોરમાં તેના ડેટા સેન્ટરનો આરંભ કરી દીધો. તેના વડાએ એક મુલાકાતમાં એવો નિર્દેશ આપ્યો હતો કે દસ-વીસ વર્ષ પછી બહુ ઓછી કંપનીઓ પોતાનાં ડેટા સેન્ટર ધરાવતી હશે અને ક્લાઉડ કમ્પ્યુટિંગ મોટો જથ્થો અને ઓછા માર્જિનનો ધંધો બની રહેશે. અત્યાર લગી ગણીગાંઠી કંપનીઓ નફાનો મોટો મલીદો ખાઇ જતી હતી, એ દિવસો પૂરા થવાનાં એંધાણ પણ તેમણે આપ્યાં.

ક્લાઉડ કમ્પ્યુટિંગ ફક્ત કમ્પ્યુટર પૂરતું મર્યાદિત રહે એ પણ જરૂરી નથી. એક વાર મોબાઇલ ફોનમાં તે શક્ય બને, તો મોંઘા ભાવના અને અનેક સુવિધાઓ ધરાવતા સ્માર્ટફોનની જરૂર ન રહે. કેમ કે, તમામ સુવિધાઓ ફોનની અંદર નહીં, પણ તેની બહાર ડેટા સેન્ટરના સર્વરમાં હોય અને ફોનધારકે ફક્ત ઇન્ટરનેટ કનેક્શનથી ડેટા સેન્ટરના સર્વર સુધી પહોંચવાનું રહે.  અત્યારે ક્લાઉડ કમ્પ્યુટિંગને લગતી ઘણીખરી વાતો ‘જો’ અને ‘તો’ જેવી ભલે લાગે, પણ તેના ભવિષ્યનો પાયો ચણાઇ ચૂક્યો છે. તેની પર ઊભી થતી ઇમારત કેવો આકાર લે છે એ જાણવા માટે ઝાઝો સમય રાહ જોવી નહીં પડે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

Categories

%d bloggers like this: